પીપલોદ એસવીએનઆઈટી સર્કલ નજીક ખેંચ આવતા પડી ગયેલા ઈજાગ્રસ્ત યુવકને CPR આપીને હોશમાં લાવવામાં સુરત પોલીસ જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે.
પીપલોદ વિસ્તારમાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાનની સરાહનીય કામગીરી જોઈ પસાર થતાં લોકો આશ્ચર્યમાં પડયા હતા. મળતી માહીતી મુજબ એસવીએનઆઇટી સર્કલ નજીક એક યુવક દોડતા દોડતા રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો. જો કે તે દરમ્યાન તેને ખેંચ આવતા તે પડી ગયો હતો અને તેને લઈને તેને માથાના ભાગે ઈજા પણ થઈ હતી. જો કે તે સમયે સમય સૂચકતા વાપરી ટ્રાફિક શાખાના રિજીયન-૩ માં ફરજ બજાવતા જીતેશ જીવાભાઈ નામના જવાન મદદે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ આવે એ પહેલા બેભાન થયેલા યુવકની છાતીમાં તેમણે હાર્ટ પમ્પિંગ આપવાનું કામ કર્યું હતું. પોલીસ જવાનની મદદે રાહદારી પણ આવ્યા હતા. એક રાહદારીએ પણ ઈજાગ્રસ્તના હાથ ગરમ રાખવમાં મદદ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરીજનો આ પોલીસ જવાનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ શહેર ટ્રાફિક શાખાના ડીસીપી દ્વારા પણ પોલીસ જવાનની કામગીરીને બિરદાવવામાં આવી હતી